Monday, May 20, 2013

ભારતીય ગણિતશાસ્ત્રી રામાનુજનની થિયરી સો વર્ષ બાદ સાચી પડી


લંડન, તા. ૩૦
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની રહસ્યમય ડેથબેડ થિયરી મૃત્યુનાં લગભગ સો વર્ષ બાદ સાચી પડી છે. રામાનુજનને આ થિયરી તેમનાં સ્વપ્નમાં નામગીરીદેવી તરફથી પ્રાપ્ત થઈ હોવાનો તે સમયે તેમણે દાવો કર્યો હતો. ૧૯૨૦માં મરણપથારી પરથી રામાનુજને તેમના માર્ગદર્શક બ્રિટિશ ગણિતશાસ્ત્રી જી. એચ. હાર્ડીને પત્ર લખીને આ થિયરીની જાણ કરી હતી.
ડેથબેડ થિયરી સ્વપ્નમાં દેવીએ સૂચવી હોવાનો તેમણે દાવો કર્યો હતો
આ પત્રમાં તેમણે અનેક નવી ગણિતની થિયરીનું સૂચન કર્યું હતું, જેને પહેલાં ક્યારેય સાંભળવામાં આવી નહોતી. આ પત્રમાં તેમણે આ થિયરી કેવી રીતે કામગીરી કરે છે તેનાં પર પણ પ્રકાશ ફેંક્યો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે તેમની થિયરી સાચી નીકળી હતી. આ થિયરીને બ્લેકહોલની વર્તણૂકના સંદર્ભમાં સમજાવી શકાય છે.
એમોરી યુનિર્વિસટીના ગણિતશાસ્ત્રી કેન ઓનોએ જણાવ્યું હતું કે, રામાનુજનના છેલ્લા રહસ્યમય પત્રમાં રહેલા કોયડાને અમે ઉકેલી નાખ્યો છે. રામાનુજને પત્રમાં લખેલી થિયરીના ઉપયોગ વડે બ્લેકહોલનું રહસ્ય ઉજાગર થાય તેવું મનાય છે. ૧૯૨૦ના સમયગાળામાં બ્લેકહોલનાં અસ્તિત્વ અંગે કોઈ વ્યક્તિએ વિચાર્યું પણ નહોતું અને તે સમયે તેમના માપદંડોને હાસ્યાસ્પદ મનાતા હતા. રામાનુજને પોતાના પત્રમાં જાણીતા થેટા ફંક્શનથી અલગ રીતે કામગીરીનાં અનેક નવાં ફંક્શનનો ઉલ્લેખ કર્યો હતો.
ગણિતનાં ક્ષેત્રે કામ કરતાં લોકોમાં છેલ્લાં ૯૦ વર્ષોથી આ બાબતે ખૂબ જ આશ્ચર્ય પેદા કર્યુ હતું. ઓનોએ જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં જન્મેલા રામાનુજન જાતે જ ગણિતની અનેક થિયરીઓ શીખ્યા હતા. રામાનુજન હંમેશાં ગણિત વિશે જ વિચારતા રહેતા હતા અને તેમને બે વખત કોલેજમાંથી પણ કાઢી મુકાયા હતા. ગણિતશાસ્ત્રીઓનો અને તેમના સાથીઓએ આધુનિક ગાણિતિક સાધનો પર રામાનુજનની ફોર્મ્યુલાનો ઉકેલ શોધ્યો હતો. આ સાધનો રામાનુજનનાં મૃત્યુ સમયે શોધાયાં પણ નહોતાં.